Medical Field
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના વડોદ ગામ ખાતે કાર્યરત અતિ આધુનિક સુવિધા તેમજ મોડર્ન ટેક્નોલોજીથી સુસજ્જ કિરણ મેડિકલ કોલેજની કેન્દ્રીય શ્રમ, રોજગાર અને રમત-ગમત મંત્રી મનસુખભાઈ માંડવીયા મુલાકાત લીધી હતી.
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ જણાવ્યું હતું કે, આરોગ્ય ક્ષેત્રમાં તબીબી સેવા આપવી એ ભારતીયોના સંસ્કાર રહ્યા છે. સુરતમાં સામાજિક સંસ્થાઓ સેવા ભાવથી ઉત્તમ સ્વાસ્થ્યની સેવાઓ કરી રહ્યા છે. આધુનિક સુવિધા તેમજ મોડર્ન ટેક્નોલોજીથી સુસજ્જ મેડિકલ કોલેજમાં શિક્ષણ લઈને વિધાર્થીઓ પોતાની કરિયર બનાવી રહ્યા છે. આ સંસ્થામાં તબીબી ક્ષેત્રનું મેડિકલ શિક્ષણ મેળવીને દેશનાં છેવાડાનાં નાગરિકોની આરોગ્ય સંભાળ લેશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
વધુમાં મંત્રીએ કહ્યું હતું કે, આ સંસ્થામાં સુરતના કેટલાય દાત્તાઓએ આર્થિક સહયોગ આપ્યો જ્યારે અનેક દાતાઓએ શ્રમથી સહયોગ આપ્યો છે એ પરિશ્રમ અને સેવાની સુવાસ સુરતની તાસીર છે. વધુમાં જણાવ્યું કે, ભારતમાં મેડિકલ સવલત ઉપરાંત નિષ્ણાત તબીબોની સંખ્યા પણ વધી રહી છે. વિશ્વના દેશોની તુલનાએ સવલત સસ્તી હોવાથી ભારતનું મેડિકલ ક્ષેત્ર ઝડપથી વિકસી રહ્યું છે. ભારત મેડિકલ ટૂરિઝમનું કેન્દ્રસ્થાન બન્યું છે ત્યારે ભારતમાં બ્રિટન, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝિલેન્ડ, કેનેડા સહિતના દેશોની તુલનાએ સારવાર અને સુવિધા વધુ સસ્તી હોવાથી વિદેશના લોકો સારવાર માટે ભારત આવતા થયા હોવાનું મંત્રીએ કહ્યું હતું.
આ પ્રસંગે કિરણ હોસ્પિટલ અને મેડિકલ કોલેજના ચેરમેન પદ્મશ્રી મથુરભાઈ સવાણી, વલ્લભભાઈ લખાણી, રવજીભાઈ, મનજીભાઈ, સામાજિક અગ્રણીઓ, મેડિકલ કોલેજના ડિન, પ્રાધ્યાપકો ઉપસ્થિત રહ્યા હતા.
Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.